કટીંગ ચા વિશે...

કટીંગ ચા ની ચૂસ્કી સાથે લખાયેલાં આ લખાણો એન્ટરટેનમેન્ટ માટે જ હોય છે. હું કોઈ ઉપદેશક નથી કે અહીં જ્ઞાન આપવાં આવ્યો નથી.અહીંથી કોઈને ઈન્સ્પીરેશન મળે કે મોટીવેશન મળે તો એ માત્ર સંયોગ જ હશે! હસાવવાં માટે તૈયાર કર્યા છે શસ્ત્રો...!! બ્લોગાસ્ત્ર..!!

તુમ તો ઠહેરે પરદેશી...

Comments

ગૈર-ફિલ્મી ગીતોને (કે જેને આપણે આલ્બમ સોંગ્સ કહીએ છીએ)સર્વાધિક લોકપ્રિયતા ૮૦ના દશકામાં મળી.ગઝલો અને પાશ્ચાત્ય સંગીતની અસરવાળાં પોપ ગીતો તે જમાનામાં રાતો-રાત ઉપલબ્ધિને આંબ્યા હતાં.૯૦નો દાયકો આવતાં સુધીમાં સૂફી સંગીતની અસરવાળાં ગીતો અને કવ્વાલીઓનું ભારતીય પોપ સંગીતમાં મિક્સીંગ થઈ ચૂક્યું હતું.આજે ભલે પ્રાઈવેટ આલ્બમની ક્વોલિટી અને ક્વોન્ટીટી ઘટ્યાં હોય પણ ૧૯૮૦-૯૦ના દાયકાઓમાં આવાં આલ્બમ્સ ફિલ્મી સંગીતની 'પેરેલલ' હતાં,ફિલ્મી ગીતો સાથે કદમ મિલાવતાં હતાં.


ગૈર-ફિલ્મી ગીતોને લોકપ્રિય કરવામાં એક નાગપુરી કવ્વાલનો મહત્વપૂર્ણ ફાળો છે-એ છે અલ્તાફ રાજા.૯૦ના દાયકામાં અલ્તાફ રાજાને અપાર સફળતા મળી.તેમણે ગાયેલું 'તુમ તો ઠહેરે પરદેશી..'ઘણાં દિવસો સુધી ઓફિસીયલ 'ચાર્ટ બુસ્ટર' ટોપ પર રહેલું! (અને હાલ પણ કેટલાંક લારી-ગલ્લે વાગતું સાંભળી પગ થીરકવા માંડે) આ એક ગીતની સફળતાએ અનેક જાણ્યા-અજાણ્યાં ગાયકો અને સંગીતકારો માટે ભારતીય સંગીત માર્કેટના દરવાજાં ખોલી નાંખ્યા,જાણે ભારતીય સંગીતનું પણ ઉદારીકરણ થઈ રહ્યુ હતું.ઠીક-ઠાક અવાજ ધરાવતા અને અંતરા(ગીતની કડીઓ) વચ્ચે શાયરીઓની ઠોકમઠોક બોલાવતા અલ્તાફ રાજાએ સાબિત કરી આપ્યું કે પોપ્યુલારીટી મોટાં નામની મોહતાજ નથી."તુમ તો ઠહેરે પરદેશી..."આલ્બમની સફળતા કોઈપણ ફિલ્મી સંગીતની બરોબરી કરી હતી.અલ્તાફ રાજા રાતોરાત બેસ્ટ સેલેબલ બની ગયા હતાં.


અલ્તાફ રાજા અને "તુમ તો ઠહેરે..."બંને રાતોરાત સ્ટાર નહોતા બન્યાં.મૂળ વાત એમ કે અલ્તાફ રાજાના પિતા દાદ રફી રાજા નાગપુરમાં કવ્વાલીકાર હતાં.મહેફિલોમાં અને મોટાં શેઠોની મિજબાનીઓમાં તેમને કવ્વાલીઓ ગાવાં ઈન્વીટેશન મળે.ઉમરાવો હરખાઈને જે બક્ષિસ આપે તે જ તેમની 'પ્રોફેશનલ ઈન્કમ'!પૈસા ના મળે તે દીવસે રોટ્લાં-પાણીના પણ વાંધા હોય.આવી ગરીબીમાં અલ્તાફમિયાંનો જન્મ.સાલ હતું ૧૯૬૭નું.નાનપણમાં અલ્તાફે વિથ ફેમીલી અનેક સ્થળોએ પરીભ્રમણ કર્યું અલબત્ત 'રોટી' માટે જ! અલ્તાફને શેર-શાયરીઓ અને ક્વ્વ્લીઓ જન્મતાં સાથે જ લોહીમાં હોય તે સ્વાભાવિક છે.છતાં પણ ફોર્માલિટી પૂરતી અને અવાજને વધુ પાણીદાર બનાવવાની ટ્રેનીંગ લીધી.લખનૌ,કાનપુર,બિહાર,એમ.પી અનેક સ્થળોએ સતત રઝળપાટ કર્યો.


"તુમ તો ઠહેરે પરદેશી..."ગાવાની પ્રેરણા વિશે અલ્તાફે એક ઈન્ટરવ્યૂમાં કહેલું "બચપનમેં લતા મંગેશકર ઔર મન્ના-ડે કી આવાજમેં 'રાત ઔર દિન"કા ગાના "દિલ કી ગીરહ ખોલ દો..." સુનને કે બાદ ઈક મુખડા મેરે જહનમેં થા વો "તુમ તો ઠહેરે પરદેશી..." જૈસા થા.લેકીન તબમેં બહોત છોટા થા.લેકીન ઉસ ગાનેકોં ઔર મન્ના-દા ઔર લતા દી કી આવાજને મુઝે બહોત ઈન્સ્પાયર કીયા ઔર મૈંને એક પ્રાઈવેટ આલ્બમ કે બારેમેં સોચના શરૂ કીયા"


૧૯૯૬માં વીનસે અલ્તાફ રાજાનું આલ્બમ "તુમ તો ઠહેરે પરેદેશી..."પ્રોડ્યુસ કર્યું અને રેકોર્ડબ્રેક કમાણી કરી.કેટ્લાંક "તુમ તો.."ને રાજાનું પહેલું આલ્બમ માને છે પણ ૧૯૯૯૩માં તેમનું એક ડિવોશનલ આલ્બમ આવેલું "સજદા રબકા કર લો.." અલ્તાફ રાજાના ગીતોની સફળતામાં જેટલો ફાળો ગીત-સંગીતનો હોય એટલો જ તેમની યુનિક અવાજ અને વચ્ચે બોલાતી શાયરીઓનો હોય છે.અલ્તાફ ભાઈના શબ્દોમાં કહીએ તો "મૈં ૧૯૮૯સે તુમ તો ઠહેરે ગાતાં થા સાથમેં રૂબાઈયાં,નઝમેં અપની લિખી હુઈ થી વો યાદ આતી ઐસે ગાને કે અંતરો કે સાથ તાલ-મિલાકર ગાતા થા,બોલતા થા...ઐસા સ્ટાઈલ બન જાયેગા ઐસા સોચા ના થા". અને સાચ્ચે જ આ એક સ્ટાઈલ હતી,,ના ભૂતો ના ભવિષ્યતી.


૧૯૯૬ સુધી અલ્તાફ રાજા "તુમ તો ઠહેરે.." ગાઈ-ગાઈને કંટાળી ગયા હતાં.એવામાં વિનસ તરફથી એક નવા આલ્બમની ઓફર મળી.મોહ્મ્મ્દ શફી નિયાઝી કે જેઓ નવાં આલ્બમનું સંગીત આપવાનાં હતાં તેમણે અલ્તાફ રાજાને પૂછ્યુ કે "યર્લી ડેઝ"માં તેઓ ક્યાં-ક્યાં ગીતો ગાતાં?? અલ્તાફે "દોનોં હી મુહ્બ્બત કે ઝ્ઝ્બાંત મેં જલતે","મેરી યાદ આયી જુદાઈ કે બાદ" અને "પંગા લે લિયા" જેવા ગીતો ગણાવ્યાં.નિયાઝી સાહેબે "પંગા લે લિયા"ને હાઈલાઈટ કરવાનું સૂચવ્યું અને એવી રીતે તૈયાર થયું બીજુ આલ્બમ "પંગા લે લિયા.." પબ્લિક ડિંમાન્ડ્ને ધ્યાનમાં રાખીને

"તુમ તો ઠહેરે..."ને પણ સમાવવામાં આવ્યું.


અલ્તાફ રાજા ભલે "તુમ તો ઠહેરે પરદેશી.." ગાઈ-ગાઈને થાકી ગયાં હોય પરંતુ તેમનાં સંગીત અને યુનિક અવાજના ચાહકો(કંઈક અંશે આ લખનાર પણ)તેમનાં ગીતોને ભૂલ્યાં નથી.દરેક પેઢીને,દરેક શ્રોતાને પોતાનો એક અવાજ હોય છે.


પૂર્ણવિરામઃ

એક અલ્તાફ રાજા બ્રાંડ શાયરીઃ

ખોયે-ખોયે રહતે હો ક્યું? ધ્યાન કિસકા હૈ??

જરા બતાઓ તો યે ઈમ્તિહાન કિસકા હૈ??

હમેં ચાહે ભુલા દો મગર યે યાદ હી હોગા,

નયી સડક પેં વો પુરાના મકાન કિસકા હૈ.


Share/Bookmark