કટીંગ ચા વિશે...

કટીંગ ચા ની ચૂસ્કી સાથે લખાયેલાં આ લખાણો એન્ટરટેનમેન્ટ માટે જ હોય છે. હું કોઈ ઉપદેશક નથી કે અહીં જ્ઞાન આપવાં આવ્યો નથી.અહીંથી કોઈને ઈન્સ્પીરેશન મળે કે મોટીવેશન મળે તો એ માત્ર સંયોગ જ હશે! હસાવવાં માટે તૈયાર કર્યા છે શસ્ત્રો...!! બ્લોગાસ્ત્ર..!!

શહેરમાં સાંજ....

Comments

 

 


 

 આ શહેરમાં સાંજ થતી નથી,  

 કોઈએ જોયું નથી સંધ્યાનું સૌંન્દર્ય, 

 પાછા ફરતા બળદગાડાંઓ,ઝાલર ટાણું,  

  હા,વોલપેપરમાં કોઈકવાર,

  જોયું છે આ બધું,

  રસ્તે નીકળે છે,

  ઓફિસર્સ,મેનેજર,મજૂરો,ભિખારીઓ અને

  પેલો રઘવાયો માણસ,

  રોબોટ જેવી યંત્રવત સ્થિતીએ,

  પૂરો દિવસ તણાવો,ચિંતાઓ,

  છતાંયે સંધ્યાનો ઉન્માદ ના માણે!

  જેમનાં સપનાઓ સિમેન્ટમાં જન્મે છે,

  પલે છે,બઢે છે,

  અને મૃત્યુ પામે છે.

  તેમને 'ગોધૂલી'ની શી સમજ?

  હા, આ શહેરમાં સાંજ થતી નથી,

  કોઈએ જોયું નથી સંધ્યાનું સૌંદર્ય.

  ~હિરેન જોશી


Share/Bookmark

હોસ્ટેલનો સામાન પેક કરતી વેળા...

Comments

ATM ની જૂની કેટલીક રસીદ,

મ્યુઝીયમની ટિકીટ સાથે પાંચ-પાંચ રૂપિયાની બે બસ ટિકીટ,

એક કોફી બિલ-એક હોટ બીજી કોલ્ડ,

બિલ કોફીનું છે પણ તે રાતે આઈસક્રિમ પણ ખાધી હતી-એક કોન બીજી સ્ટીક!



ટ્રાફિક પોલીસે ફાડેલી કાપલી લખ્યું તું-૨૫૦ રૂપિયા

એ જ દિવસની બે મૂવિ ટિકીટ્સ-સ્કિન નંબર ૪.

ચોકલેટ્સ ના ખાલી કાગળિયા સાથે મોજાની ગંધ!

ડિનર"પોસ્ટપોન્ડ" સાથે તેણીએ લખેલી એક નોંધ.

 

એક બ્લૂઈશ ગિફ્ટ પેકિંગનો કાગળ-ઈટાલિક્સમાં લખેલું મારૂ નામ સાથે...વિથ લવ

કાપલી પર પ્રેઝંટ્ મૂમેંટ-૯ પી એમ.

હોસ્ટેલ રૂમ એલોટ્મેન્ટની પર્ચી,

બે અડધા ભરેલા ફોમ્સ,ભૂલ ને લીધે અડધેથી છોડ્યાં હતાં,

'રણજીત'ના ગંજી પર બે ફોન નંબર-ખબર નથી કોના હતાં?

 

~હિરેન જોશી


Share/Bookmark

૧૯૮૯થી૨૦૧૨--શું બદલ્યું ભારતમાં અને સચિનમાં??

Comments

સચિન તેંડુલકરે ૧૯૮૯માં પાકિસ્તાન સામેની શ્રેણીથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટજીવનની શરૂઆત કરી હતી...આ ૨૩ વર્ષના સમયગાળા(૧૯૮૯-૨૦૧૨) દરમિયાન દેશમાં શું-શું બદલાયું??


તે સમયે દેશમાં ખાવા-પીવા પૂરતી એક જ ચેનલ હતી-દૂરદર્શન


ઘરેલુ એરલાઈન્સ તરીકે ઈન્ડિયન એરલાઈન્સ એક જ હતી.


સચિન ના પદાર્પણ પહેલાનાં થોડાક મહિનાઓ પહેલા પેપ્સીએ દેશમાં પ્રવેશ કર્યો હતો.કોકા કોલાની રી-એન્ટ્રી ૧૯૯૩માં થઈ હતી.૧૯૮૯ પહેલા ભારતીય બજારોમાં થમ્સ અપ,સિટ્રા,લિમ્કા,સોસીયો જેવી પ્રાદેશિક બ્રાન્ડ્સ જામેલી હતી.


સચિનના ક્રિકેટ જગતમાં આગમન સમયે ૧ ડોલર સામે રૂપિયાનું મૂલ્ય ૧૭ રૂપિયા અને ૫૦ પૈસા હતું.


સચિનના ટીમ ઈન્ડિયામાં શામેલ થયાના થોડાક દિવસોમાં રાજીવ ગાંધીએ પ્રધાનમંત્રી પદની ખુરશી છોડવી પડી હતી અને વી.પી સિંહ નવા વડાપ્રધાન બન્યા હતાં.તે સમયે કોંગ્રેસ અને જનતા દળ બે મુખ્ય પાર્ટી હતી.બીજેપી ત્રીજે નંબરે હતી.


૧૯૮૯ની સાલની સુપરહીટ ફિલ્મ "મૈંને પ્યાર કીયા"થી એક ફ્રેશ સુપરસ્ટારનો જન્મ થયો હતો-સલમાન ખાન.૧૯૮૯ દાયકાથી બોલીવૂડને નવા રોમેન્ટીક એકટ્રો અને તેમની ફ્રેશ ફિલ્મો મળવાં લાગી.


તે સમયે ભારતમાં શોપર્સ સ્ટોપ,મેક ડોનાલ્ડ્ઝ,પીઝા હટ કે નો જન્મ પણ નહોતો થયો.


ત્યારે DVD નો આવિષ્કાર નહોતો થયો(બ્લુ રે ડિસ્ક તો સપનું હતી) મળવી દુર્લભ હતી. ઓડિયો કેસેટ્સ અને ટેપની ડિમાન્ડ હતી.


૧ એપ્રિલ ૧૯૮૯નાં રોજ ભારતીય બજારોમાં પેટ્રોલનો ભાવ સાડા આઠ રૂપિયે લિટર,ડિઝલ સાડા ત્રણ રૂપિયે લિટર અને રાંધણ ગેસ ૫૭ રૂપિયા પ્રતિ સિલેંડર હતાં.


૨૩ વર્ષનાં સમયગાળા દરમિયાન ભારતમાં ઘણાંબધા બદલાવો આવ્યાં--અને સચિન તમારામાં???




Share/Bookmark

હે ગણેશ!

Comments


હે ગણેશ!



હે ગણેશ!


તમે ખૂબ જમ્યાં,


ખાઈ-પીને રાજ કર્યુ,


તમારું પેટ આ વાતનો પૂરાવો છે.


પણ આજના નેતાઓ જે જમે છે


એની તુલનામાં તો તમે કાંઈ નથી,


રોડ,મેદાનો,મકાનો,કોલસાઓ,,આહા કેટલું બધું જમ્યાં!


હે ગણેશ!


આ છે ચમત્કારીઓ,


ખૂબ જમીને પણ બને છે


ભીખારીઓ!


તેમનાં જમણવારનું બિલ જાણવા


જવું પડે વિદેશ!


હે ગણેશ!


કેવી છે આ વિડંબણા


તમે ઉંદરને વાહન બનાવ્યો


તેમણે અનુસરણ કરીને


જનતાને ઉંદર બનાવી દીધી.


હે ગણેશ!


હું જાણું છું કે તમારી તુલના ઠીક નથી


આ ધૂતારાઓ સાથે


પણ બતાવ્યાં વિના છૂટકો પણ નથી.


હે ગણેશ!


તમને ચાહે છે દિન,દુઃખી,ભૂખ્યાં લાચાર,


થોડાંક મારી જેવા કવિ,કલાકાર.


પણ ધૂતારાને ચાહે


આખું કાળાબજાર.


આવ્યાં છો તો સાથે લઈ જાઓ આ દેશ!


હે ગણેશ!


Share/Bookmark

શું નરેન્દ્ર મોદી ગુનેગાર છે??

Comments


"ભારત જેવા શાંતિપૂર્ણ દેશમાં કોઈપણ સાંપ્રદાયિક ઘટના નિશ્ચિતપણે કોઈ વ્યક્તિકેન્દ્રી ના રહીને સમ્રગ દેશ માટે એક કલંક સમાન છે".-આ શબ્દો થોડાંક સમય પહેલા પ્રધાનમંત્રી મનમોહન સિંહ આસામની સાંપ્રદાયિક ઘટના પ્રભાવિત વિસ્તારની મુલાકાતે ગયા ત્યારે તેમણે ઉચ્ચારેલાં છે.હકીકત એ છે કે ભારતમાં અત્યાર સુધી બનેલી દરેક આતંકવાદી ઘટનાઓ,સાંપ્રદાયિક હિંસાઓ,જાતિ અને ભાષાઓ આધારિત ઝઘડાઓને છેલ્લી પાયરીના ગંદા રાજકારણની ભેટ ચઢી ગયા છે.જે દુર્ભાગ્યપૂર્ણ બાબત છે.ધર્મનિરપેક્ષતાની આડમાં પોતાને સેક્યુલર અને સમાજવાદી બતાવતા તથાકથિત બુદ્ધિજીવીયો અને રાજનેતાઓએ મોંફાટ નિવેદનો અને વાક્યપટુતા વડે દેશની એકતા અને અંખડિતતાને હંમેશા નુક્શાન જ પહોંચાડ્યુ છે.અવસરવાદી રાજકારણના જાણભેદુઓ વેચાઉ મીડિયાનો સહારો લઈને સુપ્રિમ ન્યાયલય કે કાયદાકિય ફેંસલાઓને પણ વોટબેંકની રાજનિતી માટે જેમ ફાવે તેમ ઉપયોગ કરે છે.જેથી દેશમાં એક ભ્રમની સ્થિતી ઊભી થઈ છે.કેટલાંક ઓવર-સ્માર્ટ રાજનેતાઓ પોતાને સર્વોચ્ચ ન્યાયાધીશ માનીને ત્વરિત પ્રતિક્રિયાઅને ફેંસલો આપી દે છે.કોંગ્રેસ ના અગ્રણી નેતા જયંતિ નટરાજનનું એક સ્ટેટમેન્ટ જેમાં ગોધરાકાંડ પર ન્યાયાલયનાં ફેંસલાને વાંચવાની તસ્દી પણ લીધા વિના પ્રતિક્રિયા આપી કે"ગોધરા કાંડ મુદ્દે નરેન્દ્ર મોદી દોષી છે તેમને ફાંસી આત્તપો".કોંગ્રેસની આખી જમાત આવા બેફામ નિવેદનો માટે કુખ્યાત છે,જાણભેદુઓ છે.એટલે જ કદાચ લઘુમતિઓમાં તેઓ પ્રખ્યાત છે.આવા વાક્પટુઓના વોટબેંકલક્ષી નિવેદનોને લીધે દેશમાં સૌહાર્દ અને સદભાવની ભાવના ઓછી થતી જાય છે.૧૯૮૪માં ઈન્દિરા ગાંધીના મૃત્યુ પછીના સમયગાળામાં ફાટી નીકળેલી હિંસાને યોગ્ય ઠેરવવા માટે એક કોંગ્રેસી નેતાએ એવું નિવેદન આપ્યું હતું કે "પેડ પડતા હૈ તો ધરતી તો હિલતી હૈ" આ જ કોંગ્રેસના એક બીજા અગ્રણી નેતાએ આસામ(કોકરાઝાર)ના હિંસાચારને "અસ્થાયી" ગણ્યો છે!

ભારત એક લોકતાંત્રિક દેશ છે.અતઃ બંધારણે દરેક નાગરિકને સ્વતંત્ર રીતે પોતાના લીડર ચૂંટવાની સ્વાધિનતા આપી છે.આ મૂળભૂત સ્વતંત્રતા પર ખતરો ક્યારે મંડરાઈ છે??-જ્યારે લોકતંત્રનો ચોથો સ્તંભ ગણાતું મિડીયા,ભ્રષ્ટ નેતાઓની સાથે સાંઠગાંઠ કરીને કોઈ એક વ્યક્તિને ટાર્ગેટ કરે.નરેન્દ્ર મોદી સાથે કંઈક આવું જ બની રહ્યું છે.આ સમ્રગ પ્રકરણનું પ્રશ્નચિન્હ એ છે કે નરેન્દ્ર મોદીનો ગુનો શું છે??

૨૭ ફેબ્રુઆરી ૨૦૦૨ ના દિવસે અયોધ્યાથી પાછા ફરી રહેલા કારસેવકોમાંથી ૫૯ કારસેવકોને જીવતા સળગાવી દેવાના દુષ્કુત્યનાં પ્રત્યાઘાત રૂપે ફાટી નીકળેલી તીખી સાંપ્રદાયિક હિંસા એ કંઈ ભારતની પહેલું સાંપ્રદાયિક તોફાન નહોતું.તેની પહેલા પણ ૧૯૪૭થી લઈને અત્યાર સુધી અનેક સાંપ્રદાયિક હુલ્લડો થયા છે.૧૯૬૧માં મધ્ય પ્રદેશના જબલપુરમાં થયેલા તોફાનો હોય કે ૧૯૬૯માં ગુજરાતના કોમી તોફાનો,૧૯૮૪ શીખ વિરોધી રમખાણો હોય કે ૧૯૮૭નાં મેરઠના કોમી તોફાનો,૧૯૮૯ ભાગલપુર,૧૯૯૨-૯૩ બાબરી ધ્વંસ ના પ્રતિભાવ રૂપે મુંબઈના ફાટી નીકળેલા તોફાનો,૨૦૦૮માં કંધમાલની હિંસા હોય કે ચાલુ વર્ષે આસામનાં કોકરાઝારમાં બનેલી ઘટના જેમા અત્યાર સુધી ત્રણ લાખ લોકો બેઘર બન્યાં છે.દરેક સાંપ્રદાયિક તોફાનો પછીના સમયગાળામાં એકતા અને અંખડિતતા પર રાજકારણ હાવી થઈ જાય છે.વોટ્બેંક માટે લઘુમતિઓને સહાનુભૂતિ દર્શાવીને છાવરવા માટેની હોડ લાગે છે.મિડીયા નિષ્પ્ક્ષ રીપોર્ટીંગ કરવાનું ભૂલી જઈને વોટબેંકના જાણભેદૂઓના ઈશારે નાચવા લાગે છે.

૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી બનવાના અભિયાન સામે દરેક કહેવાતા સેક્યુલર પક્ષે રાજનિતીક પંડિતોની મદદથી એન્ટી નરેન્દ્ર મોદી વાતાવરણ ઊભું કર્યુ છે.મોદીને જે વ્યક્તિ મળે તે સાંપ્રદાયિક જ કહેવાય.મોદીની છાપ ભગવાં હિન્દુત્વના પ્રચારક તરીકે જોર-શોરથી કરવામાં આવી રહી છે.મોદીની પૂર્વભૂમિકા સંઘ પ્રચારકની છે જે બાબત સમ્રગ ઝૂંબેશમાં આગમાં ઘી ઉમેરવાનું કાર્ય કરે છે.ટૂંકમાં મોદીને હિન્દુત્વ ના હિમાયતી અને મુસ્લિમમોના કટ્ટર વિરોધી છે તેવું બ્રાંન્ડિગ કરવામાં આવી રહ્યું છે.જે ભારતીય રાજકારણમાં એક અક્ષમ્ય અપરાધ છે,ઈતિહાસ માફ નહી કરે એવાં લોકોને જે મોદી વિરોધી દુષ્પ્રચાર કરવાનું કાર્ય કરી રહ્યાં છે. અન્ના હજારેથી લઈને બાબા રામદેવ જે કોઈએ પણ મોદીની પ્રશંસા કરી તેને બુદ્ધિજીવીઓ અને સેક્યુલરોની ટીકાઓનો સામનો કરવો પડ્યો છે.એક બાજુ શીલા દિક્ષીત અને શરદ પવારને મોદીની પ્રશંસા માટે ચેતવણી આપીને છોડી મૂકવામાં આવ્યા તો બીજી બાજું વસ્તાનવી અને સમાજવાદી ધારાસભ્ય શાહિદ સીદ્દીકીને પોતપોતાના પદેથી હાથ ધોવા પડ્યા હતાં.ભારતીય રાજકારણમાં મોદી સાથે અછૂત જેવો વ્યવહાર શા માટે?? દેશની સર્વોચ્ચ ન્યાયાલયે પણ ગોધરાકાંડ બદલ તેમને દોષી નથી ગણ્યા કે નથી માફી માંગવાની ભલામણ કરી.તો સેક્યુલર ચોખલીયાઓ અને મીડિયાના પ્રતિનીધીઓ બંધારણની કઈ કલમને આધારે મોદીને માફી માંગવાની માંગ કરી રહ્યાં છે?? ગોધરા કાંડ અને નરોડા પાટીયાનાં રમખાણોને થોડાંજ દિવસોમાં નિયંત્રણમાં લેનાર અને ૨૦૦૨ પછીના સમયમાં એક પણ હુલ્લ્ડ ન થવા દેવામાં સફળ થનાર નરેન્દ્ર મોદી આજે પણ ભારતીય રાજનીતિમાં અછૂત છે.


Share/Bookmark

યે પબ્લિક હૈ સબ જાનતી હૈ!

Comments
ટી.વી પર રાજેશ ખન્નાની એક મૂવિનું સોન્ગ"યે પબ્લિક હૈ સબ જાનતી હૈ" આવી રહ્યું છે. જાહેરાત દરમિયાન રીમોટ દેવ દ્વારા ચેનલને ફેરવવામાં આવે છે.અવળચંડી ન્યૂઝ ચેનલ પર પગ સ્થિર(આંગળીઓ) થાય છે.આ ન્યૂઝ ચેનલ જાણે અન્ના હજારેના આંદોલનને કોઈપણ ભોગે નિષ્ફળ બનાવવું તેવા સંકલ્પ સાથે મેદાને પડી હોય તેવું લાગે છે.કોઈ ઘેટાં જેવો,ચશ્મા પહેરેલો,કાળો કોટ લટકાડેલો એન્કર સતત બફાટ કરે છે.તેના બફાટનો સાર એ છે કે અન્ના હજારે ઉપર હવે લોકોને વિશ્વાસ નથી,લોકો અન્ના અને તેની મંડળીથી દૂર ભાગી રહ્યા છે...વગેરે-વગેરે.દરેક ન્યૂઝ ચેનલો જે કોર્પોરેટ હાઉસીઝ દ્વારા સંચાલિત છે તેમાં ક્યા અન્ના કા જાદૂ ઢલ ગયા??,આજ કેજરીવાલ કા રાજ ખૂલેગા,કહાં ગયા જનસૈલાબ?? એવા ભળતા નામોથી ન્યૂઝ બનાવવાની હોડ લાગી છે.અન્ના ઉપર અને તેના સાથીઓ ઉપર આક્ષેપો થાય છે.નેગેટીવ રીપોર્ટીંગ થાય છે.ખિલ્લી ઉડાવાય છે.આ ન્યૂઝ ચેનલો દ્વારા લોકોને અન્નાના આંદોલનમાં ના શામેલ થવાની આડકતરી અપીલો પણ કરાય છે.
ખુર્શીદ,દિગ્વિજ્ય સિંહ,નારાયણ સામીનાં એઝ એક્સ્પેક્ટેડ સ્ટેટ્મેન્ટના ફૂટેજ સવાર-સાંજ બતાવાય છે.
દેખ તેરે ભારત કી હાલત ક્યા હો ગઈ ગાંધી??


ટીમ અન્નાનું આંદોલન ચાલતું રહે છે.ત્રણ દિવસ એટલે કે ૨૫-૨૬ અને ૨૭ ઓગસ્ટ રાહ જોયા પછી ચોથે દિવસે ૨૮ ઓગસ્ટની સવારે ૭૫ વર્ષનો વૃદ્ધ ગાંધીવાદી નાછૂટકે ઉપવાસનું શસ્ત્ર ઉપાડવાં મજબૂર થઈ જાય છે. અન્નાની આંદોલનને અનેક દ્ર્ષ્ટિથી જોવાની કોશિશો ચાલું જ છે.સામે પક્ષે ખાનગી ટી.વી ચેનલો અને અખબારોમાં બેફામ દુષ્પ્રચાર ચાલું છે.

જન લોકપાલ આંદોલન માત્ર લોકપાલ માટેનું આંદોલન મટીને અન્ના સહયોગી વિરુધ્ધ અન્ના વિરોધીઓ સુધી સીમિત થઈ ગયું છે.લોકપાલ અભેરાઈ પર ચડી ગયું છે.આંદોલનની પવિત્રતા ખોવાઈ ગયી છે,બયાનબાજીઓ થઈ રહી છે.એક બાજુ ટીમ અન્ના કોંગ્રેસના ૧૫ મંત્રીઓ પાસે સ્વીચબેંકમાં કેટલા રૂપિયા પડ્યા છે તેનો ખુલાસો કરે છે તો બીજી બાજુ કોંગ્રેસ આ આંદોલનને ૨૦૧૪ની ચૂંટણી માટેનો એક સ્ટંટ બતાવી રહી છે.

કેજરીવાલ ઓન ફાયરઃબોલે તો જાણે આગઝરે!


ટીમ અન્નાનો વાણી-વિલાસ પણ સમ્રગ આંદોલનની ચર્ચાસ્પદ બાબત છે.એવું બની શકે કે અરવિંદ કેજરીવાલ સહિતના સભ્યોએ ઉઠાવેલાં મુદ્દા સાચાં હોય પરંતુ કડવું સત્ય કે નગ્ન સત્ય બોલતી વખતે તેના ફળ ભોગવવાની પણ તૈયારીઓ રાખવી જોઈએ.ટીમ અન્નાના એક સભ્ય કંઈક બોલે છે તો બીજો કંઈક અલગ નિવેદન આપી દે છે,સ્વાભાવિક છે કે આ લોકોનું વ્યાપારિક સંગઠન નથી કે બધાનો વિચાર એક જ હોય છે.પરંતુ વિરોધીઓને મોકળું મેદાન મળી જાય છે.

લોકો બધુ જાણે છે છતાંય ચૂપ છે-જનતાની આ ચૂપકિદીને બાજીગર સરકાર વિજય માની રહી છે,પરંતુ આ તો યુદ્ધ પહેલાની શાંતિ જણાય આવે છે.જંતર-મંતર પર ઉપવાસ માટે ભલે એકલા અન્ના જ બેઠા હોય પરંતુ આ દેશમાં અનેક પરીવારો રોજ ઉપવાસ કરે છે,બે ટંકનું ભોજન તેમને નસીબ નથી.

 

Share/Bookmark

પાની રે પાની તેરા રંગ કૈસા??

Comments
આમિર ખાનનાં સત્યમેવ જયતે શો માં આજે પાણી અંગેનો મુદ્દો ગંભીર રીતે સમજાવવામાં આવ્યો.પવિત્ર નદીઓનાં દેશ માથે પાણીનું ભયંકર સંકટ તોળાઈ રહ્યુ છે.દેશમાં હજારો ગામડાંઓ ઉસ્માનનગરની જેમ પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે.પાણી માટે ૫-૧૦ કિલોમીટરની સફર એ તેમના દૈનિક જીવનનો હિસ્સો બની ગઈ છે.પાણી માટે મારપીટ થાય છે,ખૂન-ખરાબાં થાય છે.હત્યાઓ થાય છે.પાણીનો રંગ લાલ થાય છે.નિર્મલ પાણી કોઈના મોતનું કારણ બની શકે છે તે કલ્પના પણ કેટલી આઘાતજનક છે!

ગામડાંઓની હાલત આ છે તો શહેરોની પરીસ્થિતી કંઈ વધુ સારી નથી.મુંબઈને પાણી પુરૂ પાડતાં ભાતસા,તુલસી વગેરે ડેમો પણ ડચકાં ખાય છે.સમયસર વરસાદ ના આવવાનાં કારણે ખેડૂતો અને અન્ય શ્રમજીવી લોકોની હાલત દયાજનક થઈ ચૂકી છે.દિલ્હી,બેંગ્લુરૂની મ્યુનિસીપાલીટી કુત્રિમ વરસાદ વરસાવવાનું આયોજન કરી રહી છે જેથી પાણીની વિકટ સમસ્યાનો કંઈક ઉકેલ આવે.

સત્યમેવ જયતેમાં દર્શાવાયું તેમ મહારાષ્ટ્રના ૫૦૦૦ ગામડાઓની જીવનશૈલી પાણીના ટેન્કરો ઉપર આધારીત છે.જે દિવસે ટેન્કર આવે તે દિવસે લોકોને બધા કામો છોડીને પાણી માટે લાઈનમાં લાગી જવું પડે છે.બિહારમાં ખેતરમાંથી પાણીની ચોરી રોકવા માટે ખેડૂતોએ બંદૂકો ઉઠાવવી પડી છે.પાણી માટે એકબીજા રાજ્યો ઝઘડી રહ્યા છે.

યમુના,ગંગા જેવી મુખ્ય નદીઓની હાલત ગંધાતી ગટરો જેવી બદતર થઈ ગઈ છે.૧૫૦૦ કિલોમીટર લાંબી યમુના નદીનો ૭૦૦ કિમીનો વિસ્તાર 'ડાર્ક ઝોન'જાહેર થઈ ચૂક્યો છે.મતલબ કે એ વિસ્તારનું પાણી માણસ તેમજ અન્ય સજીવો માટે ઝેર સમાન છે.વૃંદાવનમાં યમુના-જળનું ચરણામૃત લેવાય છે,જેમાં ૭૦-૮૦% પાણી દિલ્હીની ગંધાતી ગટરોનો કૂડો-મેલ હોય છે.એવી જ હાલત બનારસમાં ગંગા નદીની છે.ગંગા,યમુનાનું ઐતિહાસીક મહત્વ છે,તેની હાલત આપણે કચરાટોપલી જેવી કરી નાંખી છે.લગભગ દરેક મોટી નદીઓની હાલત એ જ છે.

કરોડો વર્ષોનાં ભૂસ્ખલન અને અનેક પ્રક્રિયાઓ બાદ જ્યારે પૃથ્વીનું નિર્માણ થયું ત્યારે તેનું ઉપલું પડ દાધિયા જેવું બન્યું.ઉપરની માટીનું આવરણ વરસાદનાં પાણીને જમીનનાં નીચેનાં પડમાં સાચવી રાખતું હતું.નીચેના 'અંડરગ્રાઉન્ડ તળાવો'માં આ પાણીનો સંગ્રહ થતો હતો.આ સાહજીક પ્રક્રિયા સામે યક્ષપ્રશ્ન ત્યારે ઊભો થયો જ્યારે માનવી કોંક્રિટના રવાડે ચઢ્યો! કોંક્રિટના રસ્તાઓ,મકાનો જમીનના ઉપલા પડને પાણી શોષવાની પ્રક્રિયામાં અંતરાય બનવા લાગ્યાં.અધૂરામાં પૂરુ માણસે જમીનની અંદરથી પાણી મેળવવા માટે ખોદકામ શરૂ કર્યુ.બોરવેલ,કૂવાઓ વગેરે ઉપાયોને કારણી જમીને ચારણી બનાવી દીધી.

પૃથ્વી પર ૭૧% પાણી છે તે વાત આપણે જાણીએ છીએ.પરંતુ આ ૭૧%માંથી માત્ર ૩% પાણી પીવા લાયક છે અને તેમાં પણ ૨.૩% પાણી બરફના સ્વરૂપે છે.એ રીતે જોઈએ તો ૭૦૦ કરોડ માણસો અને અન્ય કરોડો સજીવો માટે ૧.૭% પાણી ખરેખર ઉપયોગી છે.હાલત ત્યારે બદતર થઈ જાશે જ્યારે સતત વધતી જતી વસ્તીની આડ-અસરો,કારખાનાં-મીલોનાં ગંધાતા પાણીના પાપે નદીઓ,તળાવોનું પાણી પીવાલાયક કે દૈનિક ક્રિયાઓ માટે ઉપયોગ કરવાને લાયક નહી રહે.

શું થશે ત્યારે??

ત્યારે એક બાલદી પાણી માટે ખૂન થશે.બહારગામ ગયેલાં પડોશીના બંધ મકાનમાંથી બે દિવસના વાસી પાણીની ચોરી થશે.દરેક વ્યક્તિએ અઠવાડિયામાં ૨ દિવસ જ નાહવાનું તેવો વટહુકમ બહાર પડશે.પાણી બચાવો વિધેયક પાસ થશે.ચૂંટણી જીતવા માટે દરરોજ પાણી સપ્લાઈના પોકળ છતાંય લાલચી ઢંઢેરાઓ પીટાશે.સમાચારપત્રોના પાનાંઓ પાણી અંગેની ખબરોથી ઉભરાઈ જશે.ટેન્કરનું પાણી ભરવા માટે માથાભારે લોકો બંદૂકો,તલવારો,ધારીયાં જેવા તીક્ષ્ણ હથીયારોનો ઉપયોગ કરશે.પાણીનાં કૌભાંડો બહાર પડશે,દેશને નવો એ.રાજા કે કલમાડી મળશે.પાણી પુરવઠાના બજેટનું ઈમ્પોટન્ટ વધી જશે.૩૦૦ લીટર કરતાં વધારે પાણી ધરાવતા લોકો સ્ટેટ્સ સીમ્બોલ બની જશે.તેઓ ખરેખર "પાણીવાળા" કહેવાશે.પવિત્ર નદીઓનું પાણી મ્યુઝીમમાં જ જોવા મળશે.:) = :(

છેવટે પેલું પાણી લાલ રંગે નાહીને સમ્રગ માનવજાત સામે અટ્ટહાસ્ય કરશે.


Share/Bookmark